About

બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વર, ગુજરાતી માધ્યમ

શિક્ષણ ક્ષેત્રે સદા અગ્રેસર…

સંસ્કારી નગરી વડોદરામાં આવેલ બરોડા હાઇસ્કૂલ શિક્ષણ જગતમાં ખૂબ જ સન્માનનીય સ્થાન પામેલ છે. વર્ષ ૧૯૯૬ થી કાર્યરત શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગથી ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ ૧૯૬૧થી સ્થાપિત સંસ્થા બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર એકમાત્ર ગુજરાતી માધ્યમ ધરાવતી શાખા છે. શાળા પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ધરાવે છે.

અમો બરોડા હાઈસ્કૂલ બાળકના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી સર્વગ્રાહી અને સંકલિત વિકાસમાં માનીએ છીએ. શાળા બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જ્યાં અભ્યાસક્રમ સાથે બાળકોના અભિન્ન વિકાસ જેવા કે શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉત્થાન તરફ પણ ધ્યાન અપાય છે. અમો શાળામાં બાળકો માટે સલામત અને સહાયક વાતાવરણ પૂરું પાડવા સંપૂર્ણ રીતે પ્રયત્નશીલ રહીએ છીએ. બાળકો શાળામાં ભણતી વખતે નીડર, ગૌરવશાળી અને પ્રબુધ્ધ બની ભવિષ્યમાં વૈશ્વિક સમાજમાં ઊભા રહી શકે તે મુજબનું સમૃદ્ધ, પ્રેરણાદાયી અને વૈવિધ્યસભર શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે.

શાળા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ને પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગમાં અનુસરી બાળક કેન્દ્રિત અભિગમ સાથે સતત કાર્યશીલ રહે છે.

શાળામાં વિશાળ વર્ગખંડોની સાથે અત્યાધુનિક સુવિધાઓ જેવી કે સ્માર્ટ ટીવી, સ્માર્ટ બોર્ડ, સાઉન્ડ પ્રુફ દ્રશ્ય શ્રાવ્ય ખંડ, અટલ ટીંકરીંગ લેબ (ATL), દરેક બાળક દીઠ એક કમ્પ્યૂટર ધરાવતી બે કમ્પ્યૂટર લેબ, ચિત્ર અને  ક્રાફ્ટ ખંડ, સંગીત ખંડ, વિવિધ ઇન્ડોર રમતો ધરાવતો રમતગમત ખંડ અને વિવિધ આઉટડોર રમતો જેમ કે વોલીબોલ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, ખો – ખો માટેના વિશાળ તેમજ લીલાછમ મેદાનનો સમાવેશ થાય છે. દરેક ક્ષેત્રના ૧૦,૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, વિજ્ઞાન પ્રયોગશાળા, અદ્યતન સુવિધા ધરાવતું ઓડિટોરિયમ, યોગ ખંડ ધરાવે છે તેમજ પૂર્વ પ્રાથમિક વિભાગના નાના બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો, શૈક્ષણિક સાધનો, પ્રવૃત્તિ ખંડ, દ્રશ્ય શ્રાવ્ય ખંડ, ભાષા ખંડ, ગણિત ખંડ, સેન્ડપીટ તેમજ સુરક્ષિત પ્લે એરિયાની પણ સુવિધા છે. જેમાં પ્રવૃત્તિમય શિક્ષણ પર સતત ભાર મૂકવામાં આવે છે. દરેક વર્ગખંડ સહિત સમગ્ર શાળા પરિસર ૨૦૦ થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

શાળા અદ્યતન સુવિધાની સાથે પર્યાવરણીય સંતુલન પણ ધરાવે છે. શાળા બાળકોની સુરક્ષા અને સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપે છે. પાણીની પૂરતી સગવડ માટે કૂવો તેમજ બોરની સાથે વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો કુનેહપૂર્વક ઉપયોગ થઈ શકે તે માટે રિચાર્જ બોરની પણ સુવિધા છે. શાળામાં બાળકો અને સ્ટાફને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી R.O પ્લાન્ટ અને કૂલર પણ છે. શાળામાં ધારા ધોરણ અનુસારની અગ્નિશામક સુવિધા પણ છે.

શાળા સ્વચ્છતા અને પર્યાવરણ માટે પણ એટલી જ જાગૃત છે. શાળામાં ૮૦૦ થી વધુ વૃક્ષો, નાના ફૂલછોડ, ઔષધીય વનસ્પતિ તેમજ બાળકોને સ્વઅનુભવ માટે નાનકડું ખેતર બનાવી તેનું નિયમિત જતન કરવામાં આવે છે. વિદ્યુત ઊર્જાનો બચાવ કરવાના હેતુથી શાળામાં 25 KV ની સોલાર પેનલ નાખવામાં આવી છે.

આમ ઘણી સુવિધાઓ સાથે બાળકોમાં અભ્યાસની સાથે મૂલ્યોનું સિંચન કરી સામાજિક જાગૃતિ માટે શાળા હંમેશા પ્રયત્નશીલ રહે છે.